ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
Bhagwadgomandal In Kumar
ગોંડળ કોષ

એક કરોડ માણસોને મુખે બોલાતી ગુજરાતી ભાષામાં એક લાખ ને ત્રેપન હજાર શબ્દો છે એ હકીકતની જાણ કોઈ પણ આત્મભાનવાળા ગુજરાતીને ગર્વ અને હર્ષ ઉપજાવનારી છે. પોતાની ભાષાની એ સમૃદ્ધિનું ભાન ગુજરાતી જનતાને કરાવવાનો યશ 'ગોંડળ-કોષ'ને વરશે.

આજ સુધી થએલા બધા કોષોની એમાં સહાય લેવાઈ છે એ હકીકત સ્વીકારવા છતાં પણ એના પ્રયત્નનો યશ ઓછો થતો નથી. નર્મદાશંકર, લલ્લુભાઈ પટેલ, ગુ.વ. સોસાએટી અને ભરતરામના કોષોના શબ્દોની સંખ્યા બેંતાળીસેક હજારની હતી; તેમાંથી દોઢ લાખ સુધીની સંખ્યાએ પહોંચવા માટે જે ખંત, ચોકસાઈ અને નિષ્ઠા જોઈએ તે બધાં ગોંડળ કોષની પાછળ એક દેશી રાજ્યને ખુણે ખરચાઈ રહ્યાં છે તેની જાણ, બહારની દુનિયાને બહુ ઓછી છે.

શબ્દસંખ્યાની દૃષ્ટિએ તેની સમૃદ્ધિ ગણીએ તો તો આ કોષ પ્રથમ સ્થાન ભોગવશે એ નિર્વિવાદ વાત છે; પરંતુ ગુણની દૃષ્ટિએ નાણી જોનારને પણ કસોટીમાં એ ઓછો ઉતરતો ન લાગે એવા પ્રયત્નો થાય છે. જેમ એની સંખ્યાની બાબતમાં, ગુજરાતી ભાષામાં વપરાતો એક પણ શબ્દ ખુણે-ખાંચરે પણ ન રહી જવા પામે તેની કાળજી કેળવણીખાતાના ગામડેગામડાના છસ્સો મહેતાજીઓના સૈન્યની સહાયથી લેવાય છે તેમ જ, એની શુદ્ધિ ને શાસ્ત્રીયતા જાળવવા માટે ગુજરાતી ભાષાના બની શકે તેટલા સાક્ષરો ને માન્ય વિદ્વાનોની નજર તળે એને કાઢવાનો પ્રયત્ન થાય છે, અને એની સર્વદેશીયતા સચવાય તે માટે કોમેકોમ ને ધંધેધંધાના ખાસ શબ્દો, સોની કંસારા વગેરેના સંજ્ઞાશબ્દો (ફારસીઓ) વગેરે પણ તેનાં સાચાં મુળ પકડીપકડીને એકઠા કરવામાં ખુબ મહેનત કરાય છે. આમ ગુજરાતી ભાષાની તળિયાઝાટક શબ્દશુમારી કરવાનો આ પ્રયત્ન ખરેખર સમર્થ લાગે છે.

આવા મહાભારત પ્રયત્નના પ્રયોજક તરીકે એક દેશી રાજ્યના નરેશનું નામ મુકાએલું જણાય ત્યારે સ્વાભાવિક રીતે સૌને એમાં દુન્યવી શિષ્ટાચાર જ લાગે. જેમ પુસ્તકોની અર્પણપત્રિકાઓ માત્ર તેનું મુદ્રણખર્ચ (આખું અથવા હિસ્સાથી) આપનાર રાજાસાહેબોને એમનાં અસંખ્ય ગુણકીર્તન સહિત લખાય છે, તેવું આ કોષના પ્રયોજક મહારાજાને વિષે નથી એ વસ્તુસ્થિતિની ખરી જાણ થનારને આશ્ચર્ય થાય છે. કોષ જેવા દુર્ઘટ કાર્યના સંપાદનને માટે જે આગ્રહભરી ચોકસાઈ, નિષ્ઠા ને ઝહેમત જોઈએ તે બધી અબાધિત નાણાંખર્ચ સાથે એ જાતમહેનતથી પુરતો રસ લઈને ખર્ચે છે. ગુજરાતી વાઙમય ઉપરનું એમનું એ ઋણ સદા યાદગાર રહેશે.

‘કુમાર’ માસિકના જાન્યુઆરી ૧૯૩૦ના સળંગ અંક ૦૭૩માંથી ..સાભાર ( લખાણની મૂળ જોડણી યથાવત જાળવી છે )

વિસ્તાર વૈવિધ્ય અને વિપુલતામાં સૌથી સમૃદ્ધ ગુજરાતી કોષનો પ્રશસ્ય પ્રારંભ ભગવદ્ગોમંડલ

આજથી દસ વર્ષ પર, 'કુમાર'ના ૭૩ૢમા અંકમાં અમે જેની તૈયારીની નોંધ લીધી હતી તે 'ગોંડળકોષ'નો પહેલો ગ્રંથ ગયા વર્ષની આખરે 'ભગવદ્ગોમંડલ'ના નામથી બાહાર પડ્યો છે. અમારી એ નોંધમાં, એ વખતની એને માટેની તૈયારી જોઈને, એને 'ગુજરાતી ભાષાની શબ્દ-શુમારીના સમર્થ પ્રયત્ન' તરીકે અમે ઓળખાવ્યો હતો એ વિધાન, સંખ્યા તેમજ ગુણવત્તા બંનેની દૃષ્ટિએ, સાચું પડ્યું છે એમ આ ગ્રંથ જોતાં જણાય છે. ગુજરાતી ભાષાના સર્વ કોષોમાં વિસ્તાર, વિપુલતા અને વૈવિધ્યની દૃષ્ટિએ આ કોષ મોખરે આવતો લાગે છે.

હિંદની અન્ય ભાષાઓને મુકાબલે સંપૂર્ણ ભાષાકોષના ગુજરાતના દારિદ્રયે નર્મદનું પહેલું ધ્યાન ખેંચ્યું ને એણે એકલે હાથે ૨૫,૨૬૮ શબ્દનો 'નર્મકોષ' રચ્યા પછી, તેમાં ઉત્તરોત્તર વિકાસરૂપે છેલ્લો ગુજરાત વિદ્યાપીઠનો ૫૭,૦૦૦ શબ્દોવાળો 'સાર્થ જોડણીકોષ' પ્રકટ થયો ત્યાં સુધીમાં શ્રી લલ્લુભાઈ પટેલૢ, ગુજરાત વર્નાક્યુલર સોસાએટી વગેરેના થોડાઘણા કોષ બહાર પડી ગયા; પણ ઘરગથ્થુ, તળપદા લોકભોગ્ય અને પ્રાંતિક શબ્દોએ એમાંના કોઈ કોષકારનું ઝાઝું ધ્યાન નહોતું ખેંચ્યું. ગોંડલના મહારાજાશ્રી ભગવતસિંહજીને એ ન્યૂનતા વર્ષો પહેલાંથી ખૂંચવા લાગી હતી ને ૧૯૨૯થી તો એની પૂર્તિ માટે સ્વયં કામે લાગી ગએલા. એના પરિપાકનું પહેલું ફળ હમણાં આપણને મળ્યું છે.

તેના નામ 'ભગવદ્ગોમંડલ'થી પ્રતીત થાય છે તેમ, એ પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા અને પ્રધાન સંપાદક મહારાજાશ્રી ભગવતસિંહજીના નામાર્ઘ સાથે, 'ગો' એટલે વાણી એ શબ્દાર્થ ઘટાવીને 'ગો-મંડલ' શબ્દનો સમાસ કર્યો છે. ઉપરાંત, 'ગોમંડલ'માં ગોંડલના નામનો પણ ધ્વનિ રહેલો છે. એ રીતે અપાએલું આ નામ એ કેવળ દુન્યવી શિષ્ટાચાર ખાતર કે મહારાજાશ્રીએ આવા મહાભારત કાર્યને આપેલા રાજ્યાશ્રયનો ઋણભાર દર્શાવવા ખાતર નથી, પણ એની પાછળ એમની પોતાની અંગત જહેમત અને ખંત રહેલાં છે. અને તેની પ્રતીતિ એટલી જ હકીકત પરથી થશે કે 'ભગવદ્ગોમંડલ'ની શરૂઆત એમણે પોતેૢ, કોઈપણ કોષમાં પ્રસિદ્ધ નહિ થએલા એવા ૧૫ૢ,૦૦૦ નવા શબ્દો આપીને કરી હતી. તેઓશ્રીએ પોતાની યાદદાસ્ત, ખેડૂતો અધિકારીઓ નોકરો આદિ સાથેની વાતચીત, દરબારી કામકાજ, તેમજ તુમારો તથા વર્તમાનપત્રો વગેરેના વાચનમાંથી અનેક નવા શબ્દો એકઠા કર્યા છે. ઉપરાંત, આજ વર્ષોથી કોષનું કાર્ય તેઓશ્રીએ નિત્યનિયમ તરીકે સ્વીકાર્યું છે, તેનાં પ્રુફ જાતે જુએ છે અને તેના શબ્દાર્થ તથા વિવરણ શિષ્ટ અને સાદા રાખવાનો પોતાનો અંગત આગ્રહ હોવાથી એમાં ઝીણવટભર્યા સુધારા જાતે કરે છે.

વેબ્સ્ટર ઑક્સફર્ડ વગેરે જાણીતા મોટા કોષોના કદનાં ૮૩૯ પાનાંના આ દળદાર પહેલા ગ્રંથમાં 'અ' અને 'અં' એ બે જ અક્ષરોના કુલ ૨૪,૭૨૧ શબ્દો, ૪૮,૦૧૯ અર્થો અને ૧,૦૨૮ રૂઢિપ્રયોગો આપેલા છે. આપણી શબ્દસમૃદ્ધિનો એ એક કોષખંડ પરથી જ ખ્યાલ આવી જશે. જબરી એટલી જ જેબ આપનારી એ જહેમત એ પણ બતાવી આપે છે કે આપણી ભાષાની પયોગ્રન્થીઓ તો લોકવાણીમાં જ રહેલી છે. તેનું જ્ઞાપનપત્ર કહે છે તે મુજબ તેને સર્વગ્રાહી બનાવવા તેમાં ભીલ, દુબળા, તળાવિયા, વાઘેર, આહીર, મિયાણા વગેરે તળપદી કોમોમાં વપરાતા શબ્દોનો પણ સંગ્રહ થયો છે. વેદાંત, વિજ્ઞાન, વૈદક, રસાયણ પ્રાણિશાસ્ત્ર, જંતુશાસ્ત્ર, યષ્ટિશાસ્ત્ર, ખગોળ, ગણિત વગેરે શાસ્ત્રોની તેમજ ધર્મપુરાણોની પરિભાષા ઉપરાંત પ્રાંતિક, રૂઢ, ગ્રામ્ય તથા ગ્રંથ અને જાતિ વગેરેને લગતા શબ્દો તથા તેમના સંકેતશબ્દો પણ સંઘરાયા છે. દસ્તાવેજો, તુમારોૢ, જૂના લેખો, ચોપડા, લોકગીત તથા નરસિંહ-ભાલણથી માંડી અર્વાચીન યુગના વિવિધ સાહિત્યમાં આવેલા શબ્દોનું સંકલન આ કોષમાં થયું છે. આમ, વ્યુત્પત્તિ વ્યાકરણ અને ઇતિહાસ સાથેના બે લાખ શબ્દો જેમાં એકત્રિત થયા છે એવા એ સંગ્રહના આટલા જ દળદાર બીજા ચારેક વિભાગો પ્રકટ થનાર છે. આટલી મહેનત અને દ્રવ્યના ભોગે તૈયાર થએલો આ સમૃદ્ધ કોષ જ્ઞાનપ્રચારના શુભ આશયથી પ્રેરાઈને માત્ર છપામણી અને કાગળની પડતર કીમતે આપવાનો આશય છે એ બીના આ યોજનાને વધુ સ્તુત્ય બનાવે છે. ગરવી ગુજરાતના વાગર્થકિરીટ બની રહેવાની ગુણવત્તા આ કોષમાં છે જ. અને ગુર્જરગિરાની એ ચિરંજીવ સેવા માટે અમે મહારાજાશ્રી ભગવતસિંહજીનું અભિવાદન કરીએ છીએ.

‘કુમાર’ માસિકના મે ૧૯૪૦ના સળંગ અંક ૧૯૭માંથી સંકલિત અંશ..સાભાર ( લખાણની મૂળ જોડણી યથાવત જાળવી છે )

સૌજન્ય : આ લેખ વીશેની માહીતી અને લેખના પાનાં - કુમાર-કોશ rameshbshah.wordpress.com ના રચયિતા સુરતના શ્રી રમેશ શાહ shahrameshb@gmail.com તરફથી અમને મળ્યાં છે તેમના સહયોગ બદલ અમે તેમના આભારી છીએ..